
વેસુ વીઆઇપી રોડ સ્થિત ભરથાણાના ઉમીયા બંગ્લોઝમાં રહેતો સોફ્ટવેર ઍન્જિનીયર પત્ની અને પુત્ર સાથે ગોવા ફરવા ગયો અને ઘરમાં માતા-પિતા સહિતના પરિવારની હાજરીમાં તેના બેડરૂમમાંથી સોનાના રૂ. ૧૫૬.૨૪ ગ્રામ વજનના રૂ. ૫.૩૭ લાખના દાગીના ચોરી થઇ જતા પોલીસ મુંઝવણમાં મુકાઇ છે.
બિહાર, આરા જિલ્લાના બડહરા તાલુકાના સંજાયેલ ગામના વતની વેસુ વીઆઇપી રોડ ભરથાણા સ્થિત ડીજીવીસીઍલ કંપનીની ઓફિસ નજીક ઉમીયા બંગ્લોઝમાં રહેતા સોફ્ટવેર ઍન્જિનીયર અંશુ સુનીલ પાંડે ગત ૧૫ જૂને પત્ની નીતુ અને પુત્ર કાર્તીક સાથે ગોવા ગયો હતો. જયારે તેના માતા-પિતા અને નાના બે ભાઇ સહિતના પરિજનો ઘરે હોવાથી પોતાના બેડરૂમને લોક કર્યુ ન હતું. બીજા દિવસે ઘરઘાટી મહિલા ભાવનાબેન અંશુના રૂમની સફાઇ કરવા ગયા હતા. પરંતુ માતા કિરણબેને અંશુ નહીં હોવાથી સફાઇ કરવાની ના પાડી હતી. ત્યાર બાદ ૨૧ જૂને અંશુ ગોવાથી પરત આવવાનો હોવાથી ભાવનાબેનને રૂમની સફાઇ કરવા માટે કહ્નાં હતું. પરંતુ રૂમનો મેઇન દરવાજો ભાવનાથી નહીં ખોલતા સુનીલભાઇ અને તેમના પુત્રઍ ધક્કો મારતા અંદરથી લોક તૂટી જતા દરવાજો ખુલી ગયો હતો. પરિજનોઍ રૂમમાં જઇને જોતા કબાટના ડ્રોઅરનો સામાન વેરવિખેર અને તેમાંથી સોનાના ૧૫૬.૨૪ ગ્રામ વજનના રૂ. ૫.૩૭ લાખના દાગીના ગાયબ હોવાથી અંશુના માતા-પિતા અને ભાઇ સહિતનો પરિવાર ચોંકી ગયો હતો. ઉલ્લેખનીય છે કે અંશુની ગેરહાજરીમાં દરવાજો ખુલ્લો હોવા છતા લોક થઇ ગયો હતો અને રૂમની બારી અને ગેલેરીના દરવાજા પણ સલામત હોવા છતા દાગીના ચોરી થઇ જતા પોલીસ પણ મુંઝવણમાં મુકાઇ છે. આ બનાવ સંદર્ભે ઉમરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.