સચિન જીઆઈડીસી સોમનાથ નગરમાં આવેલી મોબાઈલ અને કાપડની દુકાનમાંથી નોકરે રૂ. ૧ લાખ ૯૦ હજારની ધાપ મારી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોધાઈ છે.
યુપીના અયોધ્યા જિલ્લાના કબીરપુર ગામના વતની અને હાલ સચિન જીઆઈડીસી, બરફ ફેક્ટરી નજીક ઈશ્વર નગરમાં રહેતા સંદીપભાઈ રામચેત રામપ્યારે મૌર્ય સચિન જીઆઈડીસી, સોમનાથ નગરમાં મૌર્યા મોબાઈલ અને મૌર્યા ટ્રેડિંગ કંપની નામથી કાપડની દુકાન ધરાવે છે. તેમને ત્યાં ગભેણી રોડ ઈશ્વર નગરમાં રહેતો દીપક ચૌધરી નોકરી કરતો હતો. તા. ૨૨મી જૂનના રોજ બપોરના સમયે સંદીપભાઈના મોટા ભાઈ વિકાસ દુકાનેથી ઘરે જમવા માટે આવ્યા હતાં. ત્યારબાદ સાંજે પરત દુકાને ગયા હતાં, ત્યારે મોબાઈલની દુકાનના ડિસપ્લેમાં રાખેલો મોબાઈલ ગાયબ હતો. જેથી વિકાસભાઈઍ બીજી ચાવી વડે તાળું ખોલી અંદર જઈ તપાસ કરતા ડિસપ્લેમાં રાખેલા અલગ-અલગ ૨૧ મોબાઈલફોન ગાયબ હતાં. આ ઉપરાંત પહેલા માળે કાપડના દુકાનમાંથી ૨૫ જેટલી પેન્ટ પણ ગાયબ હતી. વિકાસભાઈઍ દુકાનમાં તપાસ કરતા નોકર દીપક ચૌધરી પણ મળી આવ્યો ન હતો. દીપકે દુકાનમાંથી રૂ. ૧ લાખ ૬૦ હજારના ૨૧ મોબાઈલ અને ૩૦ હજાર રૂપિયાની પેન્ટ ચોરી કરી ભાગી છૂટ્યો હતો. આ બનાવ સંદર્ભે સંદીપભાઈઍ સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.