
ડિંડોલી કરાડવા રોડ સાંઇ વિલા રેસીડેન્સીમાં આવેલા ઍક વેપારીના મકાનમાંથી તસ્કરો રૂ.૫.૭૨ લાખની મત્તા ચોરી કરી ભાગી છુટ્યા હતા. જા કે ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડી તમામ ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
બિહાર બૈસાલી જીલ્લાના રસલપુર ગામના વતની અને હાલ ડિંડોલી કરાડવા રોડ સાંઇવિલા રેસીડેન્સીમાં રહેતા ચંદનકુમાર સગુનીસીંઘ કાપડના ધંધા સાથે સંકળાયેલા છે. તા.૫મી નવેમ્બરના રોજ રાત્રિના સમયે તસ્કરો તેમના મકાનમાં ત્રાટકયા હતા. તસ્કરોઍ ડુપ્લીકેટ ચાવીથી કબાટ ખોલી અંદરથી સોના ચાંદીના દાગીના , મોબાઇલ મળી કુલ રૂ.૫.૭૨ લાખની મત્તા ચોરી કરી ભાગી છુટ્યા હતા. આ અંગે સવારે જાણ થતાં ચંદનકુમારે ડિંડોલી પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. તે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે કાપડ વેપારી ચંદનકુમારને ઘરે ફર્નિચરનું કામ કરતા માણસોઍ જ ચોરી કરી છે. આ હકીકતના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી હતી. જેમાં ઉધના પ્રભુનગરમાં રહેતો અને મિસ્ત્રી કામ કરતો સુરજ ઉર્ફે પપ્પુ ઉમાશંકર વિશ્વકર્મા અને શાહુલ સાહબલાલ વિશ્વકર્મા હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે બંને પાસેથી તમામ ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.