મોટા વરાછા-કોસાડ રોડ પર ઍલ. પી. સવાણી સ્કૂલ નજીક પ્રિન્ટીંગ પ્રેસ વ્યવસાયીની બાઇકને ફિલ્મી સ્ટાઇલમાં આંતરી બુકાનીધારી બાઇક સવાર બે લૂંટારૂઓ તીક્ષ્ણ હથિયાર વડે ઇજા પહોંચાડી રોકડા રૂ. ૨.૭૦ લાખની મત્તા લૂંટીને ભાગી જતા પોલીસ દોડતી થઇ ગઇ છે.
અમરેલી માળીયા હાટીના તાલુકાના પીખોર ગામના વતની હાલ અમરોલીની દ્વારકાધીશ સોસાયટીમાં રહેતા ગૌરાંગ મુકેશ ટીટીયા ઘરમાં પ્રિન્ટીંગ પ્રેસનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગૌરાંગ ઉત્રાણ સ્થિત સિલ્વર બિઝનેશ હબમાં આવેલા શ્રીજી સેઇફ ડિપોઝીટ વોલ્ટમાંથી રોકડા રૂ. ૨.૭૦ લાખ લઇ પેન્ટના ખિસ્સામાં મુકી પોતાની બાઇક નં. જીજે- ૫ ઇયુ- ૩૧૮૯ ઉપર ઉત્રાણના આદિત્ય કોમ્પ્લેક્ષમાં આવેલી આઇસીઆઇસીઆઇ બેંકમાં ગયો હતો. બેંક બંધ હોવાથી ત્યાંથી પરત ઘરે જઇ રહયો હતો ત્યારે મોટા વરાછા ઍલ. પી. સવાણી સ્કૂલથી કોસાડ જવાના રસ્તા પરથી પસાર થતો હતો ત્યારે નંબર પ્લેટ વગરની બાઇક પર બે બુકાનીધારી લૂંટારૂ ધસી આવ્યા હતા. ચાલુ બાઇકે લાત મારતા ગૌરાંગ રોડ પર પટકાયો હતો અને બે પૈકી ઍક લૂંટારૂઍ બાઇકની ચાવી લઇ રોડ સાઇડના ખેતરમાં ફેંકી દીધી હતી. જયારે બીજા લૂંટારૂઍ તીક્ષ્ણ વસ્તુ વડે જમણા હાથના બાવડા પર ઇજા પહોંચાડી પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂ. ૨.૭૦ લાખ કાઢી લઇ લૂંટીને વેણીનાથ રેલવે ગરનાળા તરફ ભાગી ગયા હતા. ઘટના અંગે ગૌરાંગે કંટ્રોલ રૂમમાં કોલ કરતા ઉત્રાણ પોલીસ ધસી આવી હતી.ત્યારબાદ ઇજાગ્રસ્ત ગૌરાંગને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે ગૌરાંગની ફરિયાદના આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.