
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓ માટે યોજાયેલા મતદાનના સમયે પોસ્ટલ બેલેટ પેપરમાં આપને મતદાન કર્યું હોય તેવો ફોટો પોતાના ટવીટર હેન્ડલ ઉપર મૂકી તેની સાથે ઍક મોકો કેજરીવાલને ઍક મોકો ઈસુદાનને, આમ આદમી પાર્ટી-આપ લખાણ લખનાર સુરત શહેર ટ્રાફિક શાખાના લોકરક્ષક વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસે પોતાની હોદ્દાકીય ફરજનો ભંગ બદલ લોક પ્રતિનિધિત્ત્વ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૨૯ (૨) મુજબ ગુનો નોંધ્યો છે.
તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓ માટે ગત ૨૫ નવેમ્બરના રોજ બેલેટ પેપરથી મતદાન યોજાયું હતું.તે સમયે સુરત શહેર ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા લોકરક્ષક હિરેન મુકેશભાઈ જેતાણીઍ મતદાન વખતે પોતે આપને મતદાન કર્યું હોય તેવો ફોટો પાડી લીધો હતો.બાદમાં આ ફોટો પોતાના ટવીટર હેન્ડલ ઉપર મૂકી તેની સાથે ઍક મોકો કેજરીવાલને ઍક મોકો ઈસુદાનને, આમ આદમી પાર્ટી-આપ લખાણ લખી વાયરલ કર્યું હતું.આ રીતે તેણે આપના ઉમેદવારની ચૂંટણીની તકો વધારવાનું કામ કર્યું હતું.સુરત શહેરમાંથી સરકારી કર્મચારીઓઍ આ રીતે ફેસબુક અને ટવીટર પર મુકેલા ફોટાની તપાસ કરી રહેલી સુરત સાયબર ક્રાઈમને આ હકીકત મળી હતી. તે હકીકતની ખરાઈ કર્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા તેમજ વિધાનસભા ચૂંટણી માટે બલ્ક ઍસઍમઍસ અને સોશીયલ મીડિયા દેખરેખ માટેના નોડલ ઓફિસર જી.ઍમ.હડીયાઍ ગતરોજ પોતાની હોદ્દાકીય ફરજનો ભંગ કરનાર લોકરક્ષક હિરેન જેતાણી વિરુદ્ધ લોક પ્રતિનિધિત્ત્વ અધિનિયમ ૧૯૫૧ ની કલમ ૧૨૯ (૨) મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.