ઉત્રાણ કિષ્નાપાર્ક સોસાયટીમાં ગુરૂવારે મોડી સાંજે રીક્ષા પાર્ક કરવા મુદ્દે બે પરિવાર વચ્ચે માથાકુટ થઇ હતી. જેમાં ઍક પરિવારે ઘાતક હથિયાર વડે હુમલો કરતા ખુની ખેલ ખેલાયો હતો.ઍક આધેડને ગુપ્તી અને ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતા પોલીસ દોડતી થઇ છે.
મુળ ભાવનગરના મહુવા તાલુકાના તરેડ ગામના વતની હાલ ઉત્રાણ કિષ્નાપાર્ક સોસાયટીમાં રહેતા જયસુખભાઇ હિંમતભાઇ જેઠવા જાબવર્કના ધંધા સાથે સંકળાયેલા છે.તા.૧૫મી ડિસેમ્બરના રોજ સાંજના સાત વાગ્યાના અરસામાં જયસુખભાઇના પાડોશમાં રહેતા ધીરૂ કરશન ટાંક,તેની પત્ની ગીતા અને તેમના પુત્ર નરેન્દ્ર સાથે જયસુખભાઇના પિતા હિંમતભાઇની રીક્ષા પાર્ક કરવા મુદ્દે માથાકુટ થઇ હતી. જાત જાતામાં ઝગડો ઉગ્ર બનતા તેઓની વચ્ચે ઝપાઝપી થઇ હતી.તે દરમ્યાન ટાંક પરિવાર ગુપ્તી અને ચાકુ લઇને દોડી આવી હિંમતભાઇ પર તુટી પડયા હતા. હિંમતભાઇને ઉપરા છાપરી શરીર પર ૬થી વધુ ઘા મારી દેતા તે લોહી લુહાણ હાલતમા જમીન પર ફસડાઇ પડયા હતા. આ જાઇને હિંમતભાઇનો પરિવાર દોડી આવ્યા હતો. ઇજાગ્રસ્ત હિંમતભાઇને સારવાર માટે વરાછાની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.પરંતુ ટુંકી સારવાર દરમ્યાન હિંમતભાઇનું મોત નિપજયુ હતુ. આ બનાવ અંગે ઉત્રાણ પોલીસને જાણ થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો.પોલીસે જયસુખભાઇની ફરિયાદના આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.