ભાઠેના સ્થિત મિલેનિયમ ૪ માર્કેટમાં દુકાન ધરાવતા રાજસ્થાની પિતા-પુત્રઍ દલાલ મારફતે ગ્રે કાપડનો ઉધાર માલ ખરીદી થોડું પેમેન્ટ ચૂકવ્યા બાદ દુકાન, ફ્લેટ ખાલી કરી ફરાર થઈ જતા ૧૧ વિવરના રૂ.૮૯.૧૪ લાખ ફસાયા છે.આ અંગે ભોગ બનેલા વિવર્સ પૈકી પાંડેસરામાં લુમ્સનું કારખાનું ધરાવતા અલથાણના કારખાનેદાર ઉધના પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.
અલથાણ કેનાલ રોડ સાંઈરુદ્ર ઍપાર્ટમેન્ટમાં રહેતા ૩૬ વર્ષીય હિતેષભાઈ મફતલાલ પટેલ પાંડેસરા જય જલારામ ઈન્ડસ્ટ્રીઝમાં રોશની ટેક્સટાઇલ અને હનુમાન ટેક્ષના નામે લુમ્સનું કારખાનું ધરાવે છે.કારખાનેદાર મિત્ર હસ્તક પરિચયમાં આવેલા ગ્રે કાપડ દલાલ હિતેષ જોષીઍ વર્ષ અગાઉ તેમની ઓળખાણ ભાઠેના સ્થિત મિલેનિયમ ૪ માર્કેટમાં દુકાન ધરાવતા મૂળ રાજસ્થાનના પિતા-પુત્ર અને અલથાણ, સાંઈ ઍન્કલેવમાં રહેતા રાજકુમાર જોષી અને મયંક જોષી સાથે કરાવી હતી.પિતા-પુત્રઍ દલાલ હિતેષ મારફતે ચારથી પાંચ વખત ગ્રે કાપડ મંગાવી તેનું પેમેન્ટ ૩૫ દિવસમાં કરી વિશ્વાસ કેળવ્યો હતો.જોકે, ત્યાર બાદ ૨૨ માર્ચથી ૧૮ ઍપ્રિલ ૨૦૨૨ દરમિયાન તેમણે રૂ.૧૨,૩૭,૭૬૨ નો માલ તો મંગાવ્યો હતો પણ તેનું પેમેન્ટ સમયસર કર્યું નહોતું. આથી તે પેમેન્ટ લેવા ગયા તો પિતા-પુત્રની દુકાને અન્ય વિવર અને વેપારીઓ પેમેન્ટ લેવા આવ્યા હતા.તે સમયે ત્યાં દલાલ હિતેષ પણ હાજર હતો.ત્રણેયે અઠવાડીયામાં પેમેન્ટનો વાયદો તો કર્યો હતો પણ તે નહીં નિભાવી બહાના કાઢી સમય પસાર કર્યો હતો.ત્યાર બાદ ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ તેઓ દુકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા.તેમના ઘરે તપાસ કરી તો તેમણે ભાડાનું ઘર પણ ખાલી કરી દીધું હતું.તપાસ કરતા પિતા-પુત્ર અને દલાલે અન્ય ૧૦ વિવર મળી કુલ ૧૧ વિવર્સનું રૂ.૮૯,૧૪,૩૦૫ નું પેમેન્ટ નહીં કરી ઉઠમણું કર્યું હતું.આ અંગે ભોગ બનેલા વિવર્સ પૈકી હિતેષભાઈ પટેલે ઉધના પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે પિતા-પુત્ર પૈકી પિતા રાજકુમાર જોષી વિરુદ્ધ વર્ષ ૨૦૧૬ માં પણ સલાબતપુરા પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી.