લીંબાયત વિસ્તારમાં લેસપટ્ટીના કારખાનામાં ત્રણ મહિના અગાઉ નોકરીઍ જોડાયેલો કારીગર રોકડા રૂ.૧.૫૦ લાખ ચોરી ફરાર થઈ જતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
મૂળ બિહારના સિતામઠીના વતની ૪૦ વર્ષીય મંસુર મંજુર શેખે ચાર મહિના અગાઉ સુરતના લીંબાયત ગિરિરાજનગર સાગર હોટલની પાછળ પ્લોટ નં.૯૩,૯૪ ના ત્રીજા માળે લેસપટ્ટીનું કારખાનું શરૂ કર્યું હતું. પરિવારને વતનમાં રાખી સુરતમાં ધંધો શરૂ કરનાર મંસુરે પોતાના વતનની આજુબાજુના વિસ્તારના ૮ કારીગરોને કામ પર રાખ્યા હતા. તે કારીગરો સાથે જ ખાતામાં રહેતો હતો. દરમિયાન, ગત સાતમીના રોજ તે કારીગરોને ઉપાડ આપવા અને ધંધા માટે રૂ.૧.૫૦ લાખ વેપારીઓ પાસેથી લાવ્યો હતો અને તે પૈસા ખાતાના ટેબલના ખાનામાં મુક્યા હતા. આઠમીની રાત્રે તે પૈસા જે ખાનામાં મુક્યા હતા તેને લોક કરી ચાવી તે જ ટેબલના બીજા ખાનામાં મૂકી મંસુર રાત્રે ૧૨ વાગ્યે સુઈ ગયો હતો.બીજા દિવસે સવારે સાત વાગ્યે તે ઉઠયો ત્યારે ત્રણ મહિના અગાઉ કારખાનામાં હેલ્પર તરીકે નોકરીઍ જોડાયેલો અને મૂળ બિહાર દરભંગા જિલ્લાના દેવરા ગામનો વતની ફૈજાન મોહમદીન રાઈન ખાતામાં હાજર નહોતો. તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ હતો. તે ક્યાંક ગયો હશે તેમ માની મંસુરે ધ્યાન આપ્યું નહોતું. જોકે, તે દૈનિક ક્રિયા પુરી કરી ટેબલના ખાનાની સાફસફાઈ કરતો હતો ત્યારે પૈસા મુક્યા હતા તે ખાનાની ચાવી ટેબલ પર પડેલી હોય શંકા જતા ખાનામાં જોયું તો અંદર પૈસા નહોતા. તેણે ખાતામાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા તો રાત્રે ૨.૩૦ વાગ્યે ફૈજાન ટેબલના ખાનામાંથી ચાવી કાઢી પૈસા વાળું ખાનું ખોલી પૈસા કાઢીને લઈ જતો નજરે ચઢ્યો હતો. કારખાનામાં તેની બેગ પણ ન હોય તે ભાગી છૂટ્યો હોય છેવટે મંસુરે તેના વિરુદ્ધ લીંબાયત પોલીસ મથકમાં નોકર ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.