નાના વરાછાની વિધવા મહિલાને લગન્ કરી લંડન લઇ જવાની વાતો કરી રૂપિયા ૧૨.૨૫ લાખ પડાવી લેનાર ઠગબાજને સુરત સાયબર ક્રાઇમે મોરબી ખાતેથી ઝડપી પાડી રૂપિયા ૭ લાખના દાગીના રીકવરી કર્યા હતા.
નાના વરાછા સીમાડા નાકા સ્થિત શક્તિ વિજય સોસાયટીમાં રહેતી ૫૬ વર્ષીય વિધવા સરસ્વતીબેન બ્રીજલાલ પટેલ દરજી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં સરસ્વતીબેનના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ ઉપર આશીષ પટેલના આઇડી પરથી હાયનો મેસેજ આવ્યો હતો. જેથી સરસ્વતી બેને તેને રીપ્લાય આપ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે અવારનવાર વાતચીત થતાં તેઓની વચ્ચે મિત્રતા થઈ હતી. સરસ્વતી બેને પોતે વિધવા હોવાનું કહી તમામ હકીકત આશીષ પટેલને જણાવી હતી. આશીષ પટેલે પણ પોતે ઍકલો હોવાનું કહી લગન્નો પ્રસ્તાવ મુક્યો હતો. પોતે લંડન ખાતે રહેતો હોવાનું કહી રેમેન્ડ કંપનીની શોપ ધરાવે છે અને રાજકોટ ખાતે જમીન અને ફાર્મ આવેલા છે. લગન્ બાદ સરસ્વતીબેનને લંડન ખાતે લઇ જવાની વાત કરી આશીષે પોતાના ઝાસામાં તેણીને ફસાવી લીધી હતી. ત્યારબાદ પાસપોર્ટ અને વીઝાની પ્રોસેસના નામે રાજકોટ ખાતે જમીનનો કામકાજ સંભાળતા મહેશભાઈ ગોસ્વામી આંગડિયા મારફતે રૂપિયા ૫.૧૫ લાખ અને ૭ લાખના દાગીના પડાવી લીધા હતા. આશીષે ત્યારબાદ સરસ્વતીબેન સાથે વાતચીત કરવાનું બંધ કરી વિશ્વાસઘાત કર્યો હતો. જેથી સરસ્વતીબેને પૈસા અને દાગીના પરત માંગતા તેને પરત આપવા માટે હાથ ખંખેરી લીધા હતા. આ અંગે સરસ્વતીબેને સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી હતી ત્યારે મોરબીના આમરણ ગામના ડાયમંડ નગરમાં રહેતો ૫૬ વર્ષીય મહેશ લાભુપરી ગોસાઇની સંડોવણી સામે આવી હતી. સાઇબર ક્રાઇમની ટીમે મોરબી જઇ મહેશને ઝડપી પાડી પાંજરે પુર્યો હતો. પોલીસે તેની પાસેથી સરસ્વતી બેનના રૂપિયા ૭ લાખના દાગીના પણ કબજે કર્યા હતા.