લિંબાયત પ્રતાપનગરની પાસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતા બે સટોડિયાઓને પોલીસે ઝડપી પાડી રૂપિયા ૪૫ હજારની મતા કબજે કરી છે.
લિંબાયત પોલીસને બાતમી મળી હતી કે પ્રતાપનગર ગલી નં. ૪ના નાકા પર બે યુવાનો ઓનલાઇન ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડી રહ્ના છે. આ હકીકતના આધારે પોલીસે છાપો માર્યો હતો. ત્યારે લિંબાયત પ્રતાપ નગરમાં રહેતો ભગવાનદાસ બબન સાળુંકે અને લિંબાયત મદાનપુરામાં રહેતો મોંટુકુમાર ગણપતભાઈ શાહ નામના સટોડિયાઓ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા રંગેહાથ પકડાઈ ગયા હતા. પોલીસે પુછપરછ કરતા પોતાના આર્થિક ફાયદા માટે ઇંગ્લીશ અને ઍકશન નામની આઈડી પરથી ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાડતા હતા. મોબાઇલ ફોન દ્વારા ગ્રાહકો જાડે સંપર્ક કરી રૂપિયા લઇ પોતાનું કમિશન કાઢી સટ્ટા બેટિંગનો હારજીતનો જુગાર રમાડતા હોવાની કબુલાત કરી હતી. પોલીસે બંને પાસેથી રૂપિયા ૪૫ હજારના બે મોબાઇલ ફોન કબજે કરી તેની તપાસ હાથ ધરી છે.